Monday, September 13, 2010

હે જગ જન ની, હે જગદમ્બા

ચિંતા વીઘન વીનાશી ની કમલા સહ ની સકત.
વીસહ થી હંસ વાહીની મને માતા દે હો સુમત
અરજ સુણી ને અમ તણી હે ભગવતી…

હે જગ જન ની, હે જગદમ્બા
માત ભવાની શરણે લે જે

આદ્ય શક્તિ માં આદિ અનાદિ
અરજી અંબા તું ઉરમા ધર જે…હે જગ જન ની

હોઈ ભલે દુ:ખ મેરુ સરીખું માં
રંજ એનો ન થવાં દે જે

રજ સરીખું દુ:ખ જોઈ બીજા નું
મને રોવા ને બે આંસુ દે જે…હે જગ જન ની

આનંદ એનો અખંડ રેહ જો
સંકટ દે, સંકટ દે મને, પુષ્પો તેને..હે જગ જન ની

ધૂપ બનુ સુગંધ તું લે જે માં
મને રાખ બની ને ઉડી જાવા દે જે

બળું ભલે પણ બાળું નહિ કોઈ ને
જીવન મારું તું સુગંધિત કર જે …હે જગ જન ની

કોઈ ના તીર નું નિશાન બની ને
દિલ મારું તું વિંધાવા દે જે

ઘા સહી લઉં ઘા કરુ નહિ કોઈ ને
મને ઘાયલ થઈ પળી રેહવા દે જે…હે જગ જન ની

દે જે તું શક્તિ દે જે મને ભક્તિ
દુનિયાના દુ:ખ સેહવા દે જે

શાંતિ દુર્લભ તારા ચારણે
હે માં તું મને ખોળે લે જે …હે જગ જન ની

આદ્ય શક્તિ હે માં આદિ અનાદિ
અરજી અંબા તું ઉર માં ધર જે…હે જગ જન ની

તું મને ભગવાન એક વરદાન આપી દે

તું મને ભગવાન એક વરદાન આપી દે,
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.

હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન,
જીન્દગીનું નામ છે બસ બોજ ને બંધન
આખરી અવતારનું મંડાણ બાંધી દે…
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.

આ ભૂમિમાં ખુબ ગાજે પાપના પડઘમ,
બેસૂરી થઈ જાય મારી પુણ્યની સરગમ
દિલરુબાના તારનું ભંગાણ સાંધી દે…
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.

જોમ તનમાં જ્યાં લગી છે સૌ કરે શોષણ,
જોમ જતા કોઈ અહિયાં ના કરે પોષણ
મતલબી સંસારનું જોડાણ કાપી દે…
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.

Monday, July 19, 2010

ન હું ઝાઝું માગું

ન હું ઝાઝું માગું, નથી મારું ત્રાગું;
પણ હૃદયમાં જે વ્રણ પડયા,
સહુ સકળ તેની બળતરા,
વિના ચીસે, વિના રીસે,
બસ સહનનું એવું બળ દે.
ન હું ઝાઝું …

મુજ રિપુ રિપુત્વે મચી રહે
છતાં મારે હૈયે કદીય પ્રતિ શત્રુત્વ ફણગો
ફૂટીને ફેલાયે વિષતરુ ન એવું કદી બને.
બસ સહનનું એવું બળ દે.
ન હું ઝાઝું …

મુજ જ જીવન છો ન એ વિફલ આ બને,
તોયે કો’નાં ઉ ર-ઉપવન ધ્વસ્ત કરવા,
અજાણે કે જાણે, કદીય કો ટાણે;
મુજ થકી કશુંયે નવ બને;
બસ સહનનું એવું બળ દે.

– ‘ઇન્દ્રધનુ’ સુંદરજી બેટાઇ

ચરણ રુકે ત્યાં કાશી

જ્યાં ચરણ રુકે ત્યાં કાશી
ઝકળના બિંદુમાં જોયો ગંગાનો જલરાશિ

જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર,
જે ગમ ચાલું એ જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે સચરાચર;
થીર રહું તો સરકે ધરતી હું તો નિત્ય પ્રવાસી.

સ્પર્શુ તો સાકાર, ન સ્પર્શુ તો જે ગેબી માયા,
હું જ ઉકેલું, હું જ ગૂંચવું, એવા ભેદ છવાયા;
હું જ કદી લપટાઇ જાળમાં હું જ રહું સંન્યાસી.

હું જ વિલાસે રમું, ધરી લઉં હું જ પરમનું ધ્યાન,
કદી અયાચક રહું, જાગી લઉં કદી દુષ્કર વરદાન;
મોત લઉં હું માગી, જે પળ, લઉં સુધારસ પ્રાશી !

-હરીન્દ્ર દવે

જેણે પાપ કર્યુ ના એકે

પથ્થર થરથર ધ્રુજે !

હાથ હરખથી જૂઠ્ઠા ને જડ પથ્થર ત્યાં કોણ વેદના બૂઝે ?
અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે
એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે,

“આ કુલટાને પથ્થર મારી, મારી નાખો !” એમ કિલોલે કૂજે,
એક આદમી સાવ અઓલિયો વહી રહ્યો ‘તો વાટે,
સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઇ ઉચાટે;
હાથ અને પથ્થર બન્નેને જોઇ એનું દિલ દયાથી દૂઝે !
આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,
ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :

”જેણે પાપ કર્યુ ના એકે
તે પથ્થર પહેલો ફેંકે !”

એકે એકે અલોપ પેલા સજ્જન, ત્યારે શું કરવું ના સૂઝે !
અબળા રહી ને રહ્યો ઓલિયો એનું કવિજન ગીત હજુયે ગુંજે.
- નિરંજન ભગત

સમજાતું નથી

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !

ટળવળે તરસ્યાં, ત્યહાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે !

ઘરહીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર :
ને ગગનચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે !

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના :
લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે !

કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !

છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !

- કરસનદાસ માણેક

Tuesday, June 29, 2010

કાવ્યપંક્તિઓ


નહીં આદર નહીં આવકાર નહીં નૈનોમાં નેહ
ન એવા ઘેર કદી જવું ભલે કંચન વરસે મેઘ
પ્રાચીન

મહેમાનોને માન દિલ ભરીને દીધાં નહિ
એ તો મેડી નહિ મસાણ સાચું સોરઠિયો ભણે
પ્રાચીન

દળ ફરે વાદળ ફરે ફરે નદીનાં પૂર
પણ શૂરા બોલ્યા નવ ફરે પશ્વિમ ઊગે સૂર
પ્રાચીન

રાતે જે વહેલા સૂઈ વહેલા ઊઠે તે નર વીર
બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર
પ્રાચીન

વાપરતા આ વિશ્વમાં સહુ ધન ખૂટી જાય
વિદ્યા વાપરતા વધે એ અચરજ કહેવાય
પ્રાચીન

જે જાય જાવે તે કદી ન પાછો આવે
જો પાછો આવે તો પોયરાનાં પોયરા ખાવે
લોકોક્તિ

વિપત પડે નવ વલખિએ વલખે વિપત નવ જાય
વિપતે ઉદ્યમ કીજિયે ઉદ્યમ વિપતને ખાય
પ્રાચીન

દીઠે કરડે કુતરો પીઠે કરડે વાઘ
વિશ્વાસે કરડે વાણિયો દબાયો કરડે નાગ
પ્રાચીન

નામ રહંતા ઠક્કરાં નાણાં નવ રહંત
કીર્તિ કેરા કોટડાં પાડ્યા નવ પડંત
પ્રાચીન

કંથા તું કુંજર ચઢ્યો હેમ કટોરા હથ્થ
માંગ્યા મુક્તાફળ મળે પણ ભીખને માથે ભઠ્ઠ
પ્રાચીન

કોયલડી ને કાગ ઈ વાને વરતાય નહિ
જીભલડીમાં જવાબ સાચું સોરઠીયો ભણે
પ્રાચીન

અડી કડી વાવ ને નવઘણ કૂવો
જેણે ન જોયા તે જીવતો મૂઓ
પ્રાચીન

ભલ્લા હુઆ જુ મારિઆ બહિણિ મહારા કન્તુ
લજ્જેજ્જં તુ વયંસિઅહુ જઇ ભગ્ગા ઘરુ એન્તુ
(ભલું થયું કે મરાયા બહેની મારા કંથ
લાજવું પડત સખિઓમાં જો ભાગી ઘેર આવ્યા હોત)
-હેમચંદ્રાચાર્ય

શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત
ચોમાસે વાગડ ભલો કચ્છડો બારે માસ
પ્રાચીન

કચ્છડો ખેંલે ખલકમેં મહાસાગરમેં મચ્છ
જિન હકડો કચ્છી વસે ઉન ડિયાણી કચ્છ
પ્રાચીન

ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે
મરતા રા'ખેંગાર ખરેડી ખાંગો કાં ન થયો
મા પડ મારા આધાર ચોસલાં કોણ ચડાવશે
ગયા ચડાવણહાર જીવતા જાતર આવશે
પ્રાચીન

જનની જણ તો ભક્તજન કાં દાતા કાં શૂર
નહિ તો રહેજે વાંઝણી રખે ગુમાવે નૂર
પ્રાચીન

જે ઊગ્યું તે આથમે જે ફૂલ્યું તે કરમાય
એહ નિયમ અવિનાશનો જે જાયું તે જાય
પ્રાચીન

જોઈ વહોરિયે જાત મરતાં લગ મેલે નહિ
પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહિ
પ્રાચીન

સાચી પ્રીત શેવાળની જળ સૂકે સકાય રે
માંયલો હંસલો સ્વાર્થી જળ સૂકે ઊડી જાય
પ્રાચીન

જાનમાં કોઈ જાણે નહિ કે હું વરની ફુઈ
ગાડે કોઈ બેસાડે નહિ ને દોડી દોડી મૂઈ
લોકોક્તિ

જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ
જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે અનુભવિ
લોકોક્તિ

કરતા હોય સો કીજિયે ઓર ન કીજિયે કગ
માથું રહે શેવાળમાં ને ઊંચા રહે બે પગ
બાળવાર્તા

મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય
સુખમાં પાછળ પડી રહે દુખમાં આગળ હોય
લોકોક્તિ

કરતાં સોબત શ્વાનની બે બાજુનું દુખ
ખિજ્યું કરડે પિંડીએ રિઝ્યું ચાટે મુખ
અજ્ઞાત

અબે તબે કે સોલ હી આને અઠે કઠે કે આઠ
ઈકડે તીકડે કે ચાર આને શું શા પૈસા ચાર
પ્રાચીન

નીચ દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય
શત લાંઘણ જો સિંહ કરે તો ય તૃણ નવ ખાય
પ્રાચીન

નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું
તે જ હું તે જ હું શબ્દ બોલે
-નરસિંહ મહેતા

ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવાં
અંતે તો હેમનું હેમ હોયે
-નરસિંહ મહેતા

પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર સમદ્રષ્ટિ ને સર્વ સમાન
-નરસિંહ મહેતા

હું કરું હું કરું એ જ અજ્ઞાનતા
શકટનો ભાર જ્યમ શ્વાન તાણે
-નરસિંહ મહેતા

ભલું થયું ને ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાળ
-નરસિંહ મહેતા

એવા રે અમો એવા રે એવા
તમે કહો છો વળી તેવા રે
-નરસિંહ મહેતા

ઝેર તો પીધા છે જાણી જાણી
મેવાડા રાણા
ઝેર તો પીધા છે જાણી જાણી
-મીરાંબાઈ

સાકર શેરડીનો સ્વાદ તજીને
કડવો લીમડો ઘોળ મા રે
-મીરાંબાઈ

ચાતક ચકવા ચતુર નર પ્રતિદિન ફરે ઉદાસ
ખર ઘુવડ ને મુરખ જન સુખે સુએ નિજ વાસ
-ગણપતરામ

વાડ થઈ ચીભડાં ગળે સોંઘી વસ્તુ ક્યાંથી મળે
ખળું ખાતું હોય જો અન્ન તો જીવે નહિ એકે જન
-શામળ ભટ્ટ

ઉજ્જડ ખેડાં ફરી વસે
નિર્ધનિયાં ધની હોય
ગયાં ન જોબન સાંપડે
મુઆ ન જીવે કોય
-શામળ ભટ્ટ

ભાષાને શું વળગે ભૂર
જે રણમાં જીતે તે શૂર
સંસ્કૃત બોલે તે શું થયું
કાંઈ પ્રાકૃતથી નાસી ગયું
-અખો

એ જ્ઞાન અમને ગમતું નથી રૂષિ રાયજી રે
બાળક માંગે અન્ન લાગું પાયજી રે
-પ્રેમાનંદ

પ્રેમ પંથ પાવકની જ્વાળા ભાળી પાછા ભાગે
માંહી પડ્યા તે મહાસુખ પામે દેખણહારા દાઝે
-પ્રીતમદાસ

તું નાનો હું મોટો એવો ખ્યાલ બધાનો ખોટો
ખારા જળનો દરિયો ભરિયો મીઠા જળનો લોટો
-પ્રેમશંકર ભટ્ટ

નથી મૃત્તિકામાં પ્રભુ નથી પિત્તળમાં પેઠો
કનકની મુર્તિ કરે નથી ઈશ્વર મહીં બેઠો
નથી ઘોરોમાં પીર નથી જૈનોને દેરે
અસલ જૂએ નહિ કોય સૌ નકલો હેરે
-નરભેરામ

અરે ન કીધાં કેમ ફૂલ આંબે
કર્યા વળી કંટક શા ગુલાબે
સુલોચનાને શિર અંધ સ્વામી
અરે વિધાતા તુજ કૃત્ય ખામી
-દલપતરામ

કોયલ નવ દે કોઈને હરે ન કોનું કાગ
મીઠાં વચનથી સર્વનો લે કોયલ અનુરાગ
-દલપતરામ

દેખ બિચારી બકરીનો કોઈ ન જાતાં પકડે કાન
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન
-દલપતરામ

ઝાઝા નબળાં લોકથી કદી ન કરીએ વેર
કીડી કાળા નાગનો પ્રાણ જ લે આ પેર
-દલપતરામ

અન્યનું તો એક વાંકું આપના અઢાર છે
-દલપતરામ

વા વાયો ને નળિયું ખસ્યું એ દેખીને કુતરું ભસ્યું
-દલપતરામ

પૂરી એક અંધેરી ને ગંડુ રાજા
ટકે શેર ભાજી ટકે શેર ખાજા
-દલપતરામ

કાણાને કાણો કહે તો કડવાં લાગે વેણ
હળવે રહીને પૂછીયે શાથી ખોયાં નેણ
-દલપતરામ

સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે
યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે
-નર્મદ

સુખી હું તેથી કોને શું દુખી હું તેથી કોને શું
-ગોવર્ધનરામ

અપૂર્વ અવસર એવો ક્યારે આવશે
ક્યારે થઈશું બાહ્યાન્તર નિર્ગ્રન્થ જો
સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને
કવ વિચરશું મહત પુરુષને પંથ જો
-સદગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્ર

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
-ખબરદાર

સગા દીઠા મેં શાહ આલમના ભીખ માંગતા શેરીએ
-બહેરામજી મલબારી

અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માંગે તો
-બાલાશંકર

ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે
-બાલાશંકર

છે માનવી જીવનની ઘટમાળ એવી
દુખપ્રધાન સુખ અલ્પ થકી ભરેલી
-નરસિંહરાવ

પીપળ પાન ખરંતા હસતી કુંપળિયાં
મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયાં
-નરસિંહરાવ

ઉપકાર કરીને મૂક રહે
સામો ઉપકાર ન લેશ ચહે
જે નિડરપણે હિત સ્પષ્ટ કહે
તે મારે મન પરમેશ્વર છે
-પ્રભાશંકર પટ્ટણી

કલા છે ભોજ્ય મીઠી પણ ભોક્તા વિણ કલા નહિ
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહિ
-કલાપી

સૌંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે
સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે
-કલાપી

રસહીન ધરા થઈ છે દયાહીન થયો નૃપ
નહિ તો ના બને આવું બોલી માતા ફરી રડી
-કલાપી

હું જાઉં છું હું જાઉં છું ત્યાં આવશો કોઈ નહિ
સો સો દીવાલો બાંધતાં પણ ફાવશો કોઈ નહિ
-કલાપી

હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે
પાપી તેમાં ડુબકી દઈને પુણ્યશાળી બને છે
-કલાપી

હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી
-કલાપી

રહેવા દે રહેવા દે આ સંહાર યુવાન તું
ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું
-કલાપી

જે પોષતું તે મારતું
શું ક્રમ નથી એ કુદરતી
-કલાપી

વ્હાલી બાબાં સહન કરવું એ ય છે એક લ્હાણું
માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું
-કલાપી

ક્યાંયે હશે જો કો ખુદા તો ઈશ્કનો બંદો હશે
જો ઈશ્કથી જુદો હશે તો ઈશ્કથી હારી જશે
-કલાપી

મુબારક હો તમોને આ તમારા ઈશ્કના રસ્તા
હમારો રાહ ન્યારો છે તમોને જે ન ફાવ્યો તે
-કલાપી

પધારો એમ કહેવાથી પધારે તે પધાર્યા ના
નિમંત્રણ પ્રેમીને શેનાં અનાદર પ્રેમીને શાનો
વિનયની પૂરણી માગે અધુરી તેટલી પ્રીતિ
પ્રતીતિ પ્રેમની કરવા નથી અધિકાર આદરને
-દા.ખુ. બોટાદકર

ઉચ્ચાત્મા અસમાન ઉપર ખરે ના કોપ ક્યારે કરે
ચેષ્ટા તુચ્છ તણી ઉદાર હ્રદયે શું સ્થાન પામી શકે ?
-દા.ખુ. બોટાદકર

એકાંતે કે જનસમૂહમાં રાખવી એક રીતિ
સ્વીકારેલો પથ ન ત્યજવો સંતની એ સુનીતિ
-દા.ખુ. બોટાદકર

[શિખરિણી]
વસી ખૂણે ખાતા મનુજ નજરે પુષ્કળ પડે
અને વે'ચી ખાતા પણ બહુ વિવેકી જન જડે
પરંતુ કૈં રાખ્યા વગર નિજ સંચ્યું જગતને
સમર્પી સંતોષે વસવું વિરલાથી પ્રિય બને
-દા.ખુ. બોટાદકર

કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે
-મણિલાલ નભુભાઈ દ્વિવેદી

રસ તરસ્યા ઓ બાળ
રસની રીત મ ભૂલશો
પ્રભુએ બાંધી પાળ
રસ સાગરની પુણ્યથી
-નાનાલાલ

હૃદયની આજ્ઞા એક અને ચરણના ચાલવાં બીજાં
-નાનાલાલ

પાર્થને કહો, ચડાવે બાણ
હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
-નાનાલાલ

આર્ય સુજનતા દૈન્ય ગણી તો યુદ્ધ એ જ યુગધર્મ
-નાનાલાલ

પીળાં પર્ણૉ ફરી નથી થતાં કોઈ કાળે જ લીલાં
ભાંગ્યાં હૈયાં ફરી નથી થતાં કોઈ કાળે રસીલાં
-રમણભાઈ નીલકંઠ

નહીં નમશે નહીં નમશે નિશાન ભૂમિ ભારતનું
-ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ

ઘટમાં ઘોડાં થનગને આતમ વીંઝે પાંખ
અણદીઠી ભોમકા પર યૌવન માંડે આંખ
-ઝવેરચંદ મેઘાણી

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે
-ઝવેરચંદ મેઘાણી

છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ
-ઝવેરચંદ મેઘાણી

ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે
શૂરા જાગજો રે કાયર ભાગજો રે
-ફૂલચંદભાઇ શાહ

સ્વતંત્ર પ્રકૃત્તિ તમામ એક માનવી જ કાં ગુલામ
-ઉમાશંકર જોશી

ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે
ખંડેરની ભસ્મકણી ના લાધશે
-ઉમાશંકર જોશી

હું માનવી માનવ થાઉં તો પણ ઘણું
-ઉમાશંકર જોશી

તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયાં મેં દીઠા
-કરસનદાસ માણેક

કોક દિન ઈદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે, જિંદગીના મોજા
-મકરંદ દવે

ગમતું મળે તો અલ્યા
ગૂંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ
-મકરંદ દવે

ઝાઝા છે ગુરુજીઓ ઝાઝા છે વળી ચેલા
એ દેશમાં છે માનવ મૃત્યુ વગર મરેલા
ઝાઝા છે પક્ષકારો ઝાઝા છે દેશનેતા
એ દેશમાં તો કાયમ છે વેંતિયા વિજેતા
-મકરંદ દવે

આપણાં દુ:ખનું કેટલું જોર
ભાઈ રે આપણાં દુ:ખનું કેટલું જોર
નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં શોર
-રાજેન્દ્ર શાહ

લે આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું
તું જીતે ને થાઉં ખુશી હું લેને ફરી ફરીને હારું
-રાજેન્દ્ર શુક્લ

ઉંબરાની કોરે બેસી બાળકની જેમ
સમયના ટુકડાને ચગળતું મૌન
-રાજેન્દ્ર શુક્લ

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં
-જગદીશ જોશી

મને આ જોઈને હસવું હજારો વાર આવે છે
પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે
-હરજી લવજી દામાણી 'શયદા'

બેફામ તોયે કેટલું થાકી જવું પડ્યું
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી
–બરકત વીરાણી ‘બેફામ’

રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી
–બરકત વીરાણી ‘બેફામ’

ઓ હૃદય તેં પણ ભલા કેવો ફસાવ્યો મને
જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને
–બરકત વીરાણી ‘બેફામ’

આ બધાં બેફામ જે આજે રડે છે મોત પર
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને
–બરકત વીરાણી ‘બેફામ’

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી
–બરકત વીરાણી ‘બેફામ’

ફક્ત એથી મેં મારા શ્વાસ અટકાવી દીધાં બેફામ
નથી જન્નતમાં જવું મારે દુનિયાની હવા લઈને
–બરકત વીરાણી ‘બેફામ’

અમે બરફનાં પંખી રે ટહુકે ટહુકે પીગળ્યા
-અનિલ જોશી

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
-રમેશ પારેખ

સ્પર્શ દઈ પાણી વહી જાતું હશે
ત્યારે આ પત્થરોને કંઈક તો થાતું હશે
-રમેશ પારેખ


મીરાં કે’ પ્રભુ અરજી થઈને ઊભાં છીએ લ્યો વાંચો
વડી કચેરી તમે હરિવર હુકમ આપજો સાચો
-રમેશ પારેખ

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
-મનોજ ખંડેરિયા

વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે
-આદિલ મન્સુરી

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર
કુરાનમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી
-જલન માતરી

જિંદગીના રસને પીવામાં કરો જલદી મરીઝ
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે
-મરીઝ

જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું
વિચારીને તું જીવે છે હું જીવીને વિચારું છું
-અમૃત 'ઘાયલ'

કાજળભર્યાં નયનના કામણ મને ગમે છે
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે
-અમૃત 'ઘાયલ'

અમૃતથી હોઠ સૌના એંઠાં કરી શકું છું
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું
આ મારી શાયરીયે સંજીવની છે ઘાયલ
શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું
-અમૃત 'ઘાયલ'

કેમ ભૂલી ગયા? દટાયો છું, આ ઈમારતનો હુંય પાયો છું
-અમૃત 'ઘાયલ'

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી હતી
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં
-સૈફ પાલનપુરી

જાત ઝાકળની છતાં કેવી ખુમારી હોય છે
પુષ્પ જેવા પુષ્પ પર એની સવારી હોય છે
-ચિનુ મોદી 'ઈર્શાદ'

આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઈએ
જિંદગીની બેઉ બાજુ એમ સરભર જોઈએ
છો રહે ફોરમ વિહોણા જિંદગીના વસ્ત્ર સૌ
ફૂલ પીસીને કદી મારે ન અત્તર જોઈએ
-મનહરલાલ ચોક્સી

લઈ રસાલો રૂપનો, કન્યા મંદિર જાય
'ઓ હો,દર્શન થઈ ગયા',બોલે જાદવરાય
-ઉદયન ઠક્કર

હોઠ હસે તો ફાગુન ગોરી! આંખ ઝરે તો સાવન
મોસમ મારી તું જ કાળની મિથ્યા આવનજાવન
-હરીન્દ્ર દવે


રાતદિવસનો રસ્તો વ્હાલમ નહિ તો ખૂટે કેમ
તમે કરજો પ્રેમની વાતો અમે કરીશું પ્રેમ
-સુરેશ દલાલ

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે
-ચિત્રભાનુ