Monday, July 19, 2010

ન હું ઝાઝું માગું

ન હું ઝાઝું માગું, નથી મારું ત્રાગું;
પણ હૃદયમાં જે વ્રણ પડયા,
સહુ સકળ તેની બળતરા,
વિના ચીસે, વિના રીસે,
બસ સહનનું એવું બળ દે.
ન હું ઝાઝું …

મુજ રિપુ રિપુત્વે મચી રહે
છતાં મારે હૈયે કદીય પ્રતિ શત્રુત્વ ફણગો
ફૂટીને ફેલાયે વિષતરુ ન એવું કદી બને.
બસ સહનનું એવું બળ દે.
ન હું ઝાઝું …

મુજ જ જીવન છો ન એ વિફલ આ બને,
તોયે કો’નાં ઉ ર-ઉપવન ધ્વસ્ત કરવા,
અજાણે કે જાણે, કદીય કો ટાણે;
મુજ થકી કશુંયે નવ બને;
બસ સહનનું એવું બળ દે.

– ‘ઇન્દ્રધનુ’ સુંદરજી બેટાઇ

ચરણ રુકે ત્યાં કાશી

જ્યાં ચરણ રુકે ત્યાં કાશી
ઝકળના બિંદુમાં જોયો ગંગાનો જલરાશિ

જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર,
જે ગમ ચાલું એ જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે સચરાચર;
થીર રહું તો સરકે ધરતી હું તો નિત્ય પ્રવાસી.

સ્પર્શુ તો સાકાર, ન સ્પર્શુ તો જે ગેબી માયા,
હું જ ઉકેલું, હું જ ગૂંચવું, એવા ભેદ છવાયા;
હું જ કદી લપટાઇ જાળમાં હું જ રહું સંન્યાસી.

હું જ વિલાસે રમું, ધરી લઉં હું જ પરમનું ધ્યાન,
કદી અયાચક રહું, જાગી લઉં કદી દુષ્કર વરદાન;
મોત લઉં હું માગી, જે પળ, લઉં સુધારસ પ્રાશી !

-હરીન્દ્ર દવે

જેણે પાપ કર્યુ ના એકે

પથ્થર થરથર ધ્રુજે !

હાથ હરખથી જૂઠ્ઠા ને જડ પથ્થર ત્યાં કોણ વેદના બૂઝે ?
અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે
એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે,

“આ કુલટાને પથ્થર મારી, મારી નાખો !” એમ કિલોલે કૂજે,
એક આદમી સાવ અઓલિયો વહી રહ્યો ‘તો વાટે,
સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઇ ઉચાટે;
હાથ અને પથ્થર બન્નેને જોઇ એનું દિલ દયાથી દૂઝે !
આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,
ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :

”જેણે પાપ કર્યુ ના એકે
તે પથ્થર પહેલો ફેંકે !”

એકે એકે અલોપ પેલા સજ્જન, ત્યારે શું કરવું ના સૂઝે !
અબળા રહી ને રહ્યો ઓલિયો એનું કવિજન ગીત હજુયે ગુંજે.
- નિરંજન ભગત

સમજાતું નથી

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !

ટળવળે તરસ્યાં, ત્યહાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે !

ઘરહીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર :
ને ગગનચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે !

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના :
લાખ ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે !

કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !

છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !

- કરસનદાસ માણેક