Monday, May 24, 2010

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,



જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

'આદિલ'ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

મોજમાં રેવું મોજમાં રેવું….



મોજમાં રેવું મોજમાં રેવું, મોજમાં રેવું મોજમાં રેવું રે.
અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રેવું

સંસાર ખોટો કે સપનું ખોટું સૂઝ પડે નઇ રે,
યુગ વિત્યા ને યુગની પણ જુઓ સદીયુંથઇ ગઇ રે
મરમી પણ ઇનો મરમ ન જાણે કૌતુક કેવું રે….મોજમાં….

ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો ગહન ગોવિંદો રે.
ઇ રે હરી ભગતું ને હાથવગો છે પ્રેમ પરખંદો રે
આવા દેવ ને દીવો કે ધૂપ શું દેવો દિલ દઇ દેવું રે…મોજમાં …

લાયલાગે તોયે બળે નહીં એવા કાળજા કીધા રે
જીવન નથી જંજાળ જીવન જીવવા જેવું રે….મોજમાઁ…

રામક્રૂપા એને રોજ દિવાળી રંગના ટાણા રે
કામ કરે એની કોઠી એ કોઇ દિ’ ખૂટે ન દાણા રે
કીએ અલગારી કે આળસુ થઇ ભવ આયખું ખોવું રે…મોજમાઁ…

ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને,



ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને,
જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને,
સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને,
આ દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને,
કૈં નહોતુ એ છતાં, સૌ એ મને લુંટી ગયા,
કૈં નહોતુ એટલે, મે પણ લુટાવ્યો છે મને,
આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મે ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે મને,
એ બધા “બેફામ” જે આજે રડે છે મોત પર,
એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને.

લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીએ પાણી



લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીએ પાણી,
તને પરથમ અર્પણ કરું, મારા શાયર મેઘાણી.

સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,
રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.

ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ,
પાકે જ્યાં નરબંકડા, ને રૂપ પદમણી નાર.

ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે,
મરતા રાખેંગાર, ખેરડી, ખાંગો નવ થયો.

સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર,
જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર.

ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે,
મરતા રાખેંગાર, ખેરડી, ખાંગો નવ થયો.

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ.

ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ,
પાકે જ્યાં નરબંકડા, ને રૂપ પદમણી નાર.

કાઠિયાવાડની કામિની, હળકતી માથે હેલ,
ભરી બજારે નીકળે, ઢળકતી જાણે ઢેલ.

અમારી ધરતી સોરઠદેશની ઊંચો ગઢ ગિરનાર,
સાવજડાં સેંજળ પીએ, એનાં નમણાં નર ને નાર

કાઠિયાવાડમાં કોક દિ, ભૂલો પડ ભગવાન,
તું થા મારો મહેમાન, તને સરગ ભુલાવું શામળા

Saturday, May 22, 2010

અંધેરી નગરી ને ગંડુ રાજા



પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.

ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.”

ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,
સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
હશે ચોરને શાહનો ન્યાય એકે,
નહી હોય શિક્ષા ગુનાની વિવેકે.

ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.”
કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી,
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.”

ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
“નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.”
ન માની કશી વાત તે શિષ્ય જયારે,
ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.

રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
પછીથી થયા તેહના હાલ કેવા,
કહું છું હવે હું સુણો સદ્ય તેવા.

તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.

“એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.”
વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર;
ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.”

કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
ચૂક એ ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ;
એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ”

પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.”
“મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.”

મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.

ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.”
જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ

શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,
આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.”

ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;”
અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.”
ગુરુએ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચ.

-દલપતરામ

છેલ્લો કટોરો ઝેરનો



છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ

અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું
ધૂર્તો દગલબાજો થકી પડિયું પનારું
શત્રુ તણે ખોળે ઢળી સુખથી સુનારું
આ આખરી ઓશિકડે શિર સોંપવું બાપુ
કાપે ગર્દન ભલે રિપુ મન માપવું બાપુ

છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ

સુર અસુરના આ નવયુગી ઉદધિ વલોણે
શી છે ગતાગમ રત્નના કામી જનોને
તું વિના શંભુ કોણ પીશે ઝેર દોણે
હૈયા લગી ગળવા ઝટ જાઓ રે બાપુ
ઓ સૌમ્ય-રૌદ્ર કરાલ-કોમલ જાઓ રે બાપુ

છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ

જગ મારશે મેંણા ન આવ્યો આત્મજ્ઞાની
ના'વ્યો ગુમાની પોલ પોતાની પિછાની
જગપ્રેમી જોયો દાઝ દુનિયાની ન જાણી
આજાર માનવજાત આકુળ થઈ રહી બાપુ
તારી તબીબી કાજ એ તલખી રહી બાપુ

છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ

જા બાપ માતેલ આખલાને નાથવાને
જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને
જા સાત સાગર પાર સેતુ બાંધવાને
ઘનધોર વનની વાટને અજવાળતો બાપુ
વિકરાળ કેસરિયાળને પંપાળતો બાપુ
ચાલ્યો જજે તુજ ભોમિયો ભગવાન છે બાપુ
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે બાપુ

- ઝવેરચંદ મેઘાણી

રે પંખીડા ! સુખથી ચણજો



રે પંખીડા ! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો
શાને આવાં મુજથી ડરીને, ખેલ છોડી ઊડો છો ?

પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું
ના ના કો' દી' તમ શરીરને કાંઈ હાનિ કરું હું
ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં
ખુલ્લું મારું ઉપવન સદા પંખીડાં સર્વને છે

રે ! રે ! તો યે કુદરતથી મળી ટેવ બીવા જનોથી
છો બીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની

જો ઊડો તો જરૂર ડર છે ક્રૂર કો' હસ્તનો, હા
પાણો ફેંકે તમ તરફ, રે ! ખેલ એ તો જનોના

દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી
રે ! રે ! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી

-કલાપી